આફ્રિકાના દેશોમાં ખ્રિસ્તીઓનો જધન્ય નરસંહાર 

1/8
ઇરાક, સીરિયા અને અફઘાનિસ્તાનમાં પછડાટ મળ્યા બાદ ઇસ્લામિક સ્ટેેટ અને અલ કાયદાએ નવા ઠેકાણા માટે આફ્રિકાના દેશોને લક્ષ્યાંક બનાવવાનું શરૂ કર્યું છે, અહીં તેમના માટે સૌથી મોટું વિઘ્ન ખ્રિસ્તી સમુદાય છે, તેથી સૌથી પહેલાં ખ્રિસ્તીઓની મોટી વસતી ધરાવતા દેશોને લક્ષ્યાંક બનાવવાનું શરૂ કરાયું છે

આર્નોલ્ડ ક્રિસ્ટી, તા.3 ડિસેમ્બર 2020

નાઇજિરિયાના ગેરિન ક્વાશેબે ગામમાં ગયા સપ્તાહાંતમાં ત્રાટકેલા બોકો હરામના આતંકવાદીઓએ ખેતરોમાં લણણી કરી રહેલા 110 જેટલાં ખ્રિસ્તી ખેડૂતોની હત્યા કરી નાખી. બોર્નોના જેરે સંસદિય વિસ્તારના હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવના સાંસદ એહમદ સતોમીએ જણાવ્યું હતું કે, ગામના ખેડૂતોએ બોકો હરામના આતંકવાદીઓને ખંડણી આપવાનો ઇનકાર કરી દેતાં 110 ખેડૂતોની નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી હતી. નાઇજિરિયામાં પહેલીવાર આ પ્રકારનો જધન્ય હત્યાકાંડ આચરવામાં આવ્યો નથી. અત્યાર સુધીમાં બોકો હરામના ઇસ્લામિક આતંકવાદીઓ અને મુસ્લિમ ફુલાની કબિલાના લડાકુઓ હજારો ખ્રિસ્તીઓની કત્લેઆમ કરી ચૂક્યાં છે. નાઇજિરિયામાં વર્ષ 2020ના પ્રથમ 7 મહિનામાં 1400 કરતાં વધુ ખ્રિસ્તીઓનો સંહાર કરી નંખાયો છે.

ફક્ત નાઇજિરિયા જ નહીં પરંતુ સમગ્ર આફ્રિકા ખંડમાં ઇસ્લામિક આતંકવાદી સંગઠનો દ્વારા ખ્રિસ્તીઓનો નરસંહાર ચાલી રહ્યો છે. નાઇજિરિયામાં અત્યાર સુધીમાં લાખો ખ્રિસ્તીઓની હત્યા કરી નાખવામાં આવી છે. મુસ્લિમો આફ્રિકાની સૌથી મોટી ઇકોનોમી ગણાતા નાઇજિરિયા પર કબજો જમાવવા માગે છે. તેમના આ પ્રયાસમાં ખ્રિસ્તીઓ પર હુમલા કરવામાં આવી રહ્યાં છે. આ કટ્ટરવાદી મુસ્લિમોમાં સામેલ છે બોકો હરામ સંગઠનનો આતંકવાદી સરગણો અબુબકર શેકાઉ. શેકાઉનું મિશન આફ્રિકાના સૌથી વધુ વસતી ધરાવતા દેશ પર ઇસ્લામિક શાસન સ્થાપવાનું છે. તે કહે છે કે નાઇજિરિયાની અડધી વસતી ધરાવતા ખ્રિસ્તીઓ ક્યાં તો દેશ છોડીને ચાલ્યા જાય, ઇસ્લામનો અંગીકાર કરે અથવા તો માર્યા જાય.

આફ્રિકામાં યુએસ સ્પેશિયલ ઓપરેશન કમાન્ડના ટોચના જનરલે ચેતવણી આપી છે કે સીરિયા અને ઇરાકમાં પરાજિત થયા પછી અલ કાયદા, ઇસ્લામિક સ્ટેટ અને અન્ય ઇસ્લામિક આતંકવાદી સંગઠનો આફ્રિકામાં પગદંડો જમાવી રહ્યાં છે. ફક્ત નાઇજિરિયા જ નહીં પરંતુ નાઇજર, ચાડ, કેમેરૂન, બુર્કિના ફાસો , માલી, તાન્ઝાનિયા, કેન્યા અને કોંગોમાં પણ જેહાદીઓ અવારનવાર ખ્રિસ્તીઓ પર હુમલા કરી મોતને ઘાટ ઉતારી રહ્યાં છે.

આવો એક નજર નાખીએ આફ્રિકા ખંડમાં આવેલા દેશોમાં ખ્રિસ્તીઓની વસતી પર એક નજર. આફ્રિકાના સમૃદ્ધ અને મોટા દેશોમાં ખ્રિસ્તીઓની વસતીમાં નિરંતર ઘટાડો કરવાનું જાણે કે એક અભિયાન ચાલી રહ્યું છે. ઇસ્લામિક આતંકવાદીઓ ખ્રિસ્તીઓની વધુ વસતી ધરાવતા દેશોને ટાર્ગેટ કરી રહ્યાં છે. સોમાલિયામાં ઇરાન પ્રેરીત આતંકવાદના પગલે હવે ખ્રિસ્તીઓની વસતી માંડ 10,000 રહી ગઇ છે. અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદના કારણે લીબિયામાં ખ્રિસ્તીઓની વસતી માંડ 60,000 બચી છે. સુદાનના 12 લાખ ખ્રિસ્તીઓ આતંકવાદના ભય હેઠળ જીવી રહ્યાં છે. નાઇજિરિયા અને કેન્યા જેવા ખ્રિસ્તીઓની મોટી વસતી ધરાવતા દેશોમાં ખ્રિસ્તીઓને નરસંહાર દ્વારા ખતમ કરી નાખવાનાે કારસો ઘડાયો છે. 

ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને મોટી હાર મળી ચૂકી છે. અફઘાનિસ્તાનમાં અલકાયદાનો સફાયો થઇ ચૂક્યો છે. આવી સ્થિતિમાં ઇસ્લામિક સ્ટેટ અને અલકાયદાને નવા ઠેકાણાની જરૂર ઊભી થતાં આફ્રિકા તરફ પ્રયાણ શરૂ કર્યું છે. આફ્રિકાના મુસ્લિમો અને ખ્રિસ્તીની મોટી વસતી ધરાવતા દેશોને સૌથી પહેલાં ટાર્ગેટ કરાઇ રહ્યાં છે. નાઇજિરિયામાં ક્રુડ ઓઇલના મોટા ભંડાર છે તો ખ્રિસ્તી બહુલ કેન્યા પાસે વિપુલ પ્રમાણમાં ખનીજ સંપત્તિ છે. અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ જે તે દેશ પર કબજો જમાવી તેની કુદરતી સંપત્તિઓ પર જ પોતાનું સામ્રાજ્ય વિકસાવી રહ્યાં છે. ઇરાક અને સીરિયામાં પછડાટ મળતાં હવે તેઓ આફ્રિકા ભણી વળ્યાં છે.