છત્તીસગઢના 3 ગામોમાંથી હાંકી કઢાયેલા ખ્રિસ્તી પરિવારોને સુરક્ષા સાથે પુનઃસ્થાપિત કરવા બિલાસપુર હાઇકોર્ટનો આદેશ

Christian-CG6-696x464.jpg
ખ્રિસ્તીઓએ ધર્મનો ત્યાગ કરવાનો ઇનકાર કરતાં કટ્ટરવાદીઓએ હુમલો કરી તેમના મકાનોનો નાશ કર્યો હતો

રાયપુર

છત્તીસગઢના કોંડાગાંવમાં 3 ગામોમાં ખ્રિસ્તીઓને તેમનો ધર્મ ત્યાગવા માટે દબાણ કરી ગામમાંથી હાંકી કાઢવાના કેસમાં બિલાસપુર હાઇકોર્ટે સરકારને ત્રણે ગામના ખ્રિસ્તીઓને સુરક્ષા સાથએ ગામમાં રહેવાની વ્યવસ્થા કરી આપવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. 12 ખ્રિસ્તીઓ દ્વારા વિસ્થાપિત ખ્રિસ્તીઓને સુરક્ષા આપવાની માગ કરતી જાહેર હિતની અરજીઓ પર હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે.

સપ્ટેમ્બર 2020માં કાકાદાબેડા, તેલિયાબેડા અને સિંગણપુર ગામોમાં ગામલોકોએ મિટિંગમાં ખ્રિસ્તીઓને બોલાવીને ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કરવા દબાણ કર્યું હતું. જ્યારે ગામમાં વસતા ખ્રિસ્તીઓએ ધર્મનો ત્યાગ કરવાનો ઇનકાર કર્યો ત્યારે કેટલાક કટ્ટરવાદીઓએ તેમના પર હુમલો કરી તેમના ઘરોનો નાશ કર્યો હતો. તેથી ખ્રિસ્તીઓને ગામમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

14 ઓક્ટોબરે વિજય સોરી સહિત 12 ખ્રિસ્તીઓએ બિલાસપુર હાઇકોર્ટમાં વિસ્થાપિત થયેલા ખ્રિસ્તીઓને સુરક્ષા આપવાની માગ કરી હતી. 8 નવેમ્બરે હાઇકોર્ટે ખ્રિસ્તીઓની અપીલ સ્વીકારીને કોંડાગાંવ જિલ્લા સત્તાવાળાઓને ખ્રિસ્તીઓને સુરક્ષા આપવાનો આદેશ કર્યો હતો જેથી તેઓ પોતાના ઘરોમાં સુરક્ષિત પાછા ફરી શકે.

વિજય સોરીએ જણાવ્યું હતું કે, અમને સુરક્ષિત વાતાવરણ અને અમારો ધર્મ પાળવાની સ્વતંત્રતા જોઇએ છે. અમે કોઇને પરેશાન કરતાં નથી તેથી કોઇએ અમને પરેશાન કરવા જોઇએ નહીં. તેથી અમે સરકાર અને હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી. અમને આશા છે કે સ્થાનિક સત્તાવાળા હાઇકોર્ટના આદેશને અનુસરીને અમને સુરક્ષા આપશે. સ્થિતિમાં સુધારો થશે અને અમે અમારા ગામમાં અમારા ઘેર પાછા ફરી શકીશું.

કાકાદાબેડા, તેલિયાબેડા અને સિંગણપુર ગામના ખ્રિસ્તીઓ છેલ્લા દોઢ મહિનાથી તેમના ઘરોમાં જઇ શક્તા નહોતાં. ખ્રિસ્તી પરિવારો પર હુમલા કરનારા કટ્ટરવાદીઓ સામે સ્થાનિક સત્તાવાળા દ્વારા કોઇ પગલાં લેવાયાં નહોતાં. તેના સ્થાને ચાર ખ્રિસ્તીઓને કોઇપણ પ્રકારના અપરાધ વગર જેલમાં મોકલી દેવાયાં હતાં. – એજન્સી

ખ્રિસ્તીઓ ગામમાં પાછા ફરશે તો જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઇ હતી

સપ્ટેમ્બર મહિનામાં થયેલા હુમલામાંથી બચી ગયેલા વિજય સોરીએ જણાવ્યું હતું કે, અમે અણારા જીવ બચાવીને નાસી છૂટ્યા હતા. તેમણે અમને મારી નાખવાની ધમકીઓ આપી હતી જેના કારણે અમે ઘણા ભયભીત થઇ ગયાં હતાં. અમારી પાસે ગામમાંથી નાસી જવા સિવાય બીજો કોઇ વિકલ્પ બાકી રહ્યો નહોતો. ગામના કટ્ટરવાદીઓએ અમને ધમકી આપી હતી કે જો અમે ગામમાં પાછઆ ફરીશું તો અમને જાનથી મારી નાખવામાં આવશે.