પરમેશ્વર વિશ્વની મહાસત્તાઓને હચમચાવવા કોવિડ-19 જેવી મહામારીનો ઉપયોગ કરે છે?

વર્ષ 2020ના પ્રારંભથી વિશ્વ કોરોના વાઇરસની મહામારીમાં જકડાયું છે. 190 કરતાં વધુ દેશમાં પ્રસરેલી મહામારીએ 5 કરોડ કરતાં વધુ લોકોને સંક્રમિત કર્યાં છે. 13 લાખથી વધુ લોકો માર્યાં ગયાં છે. માનવ ઇતિહાસના પ્રારંભથી વિશ્વમાં મહામારી ત્રાટકતી રહી છે. અત્યાર સુધીમાં આવેલી મહામારીઓમાં કરોડો લોકો માર્યાં ગયાં છે. આજે અહીં વાત એ કરવી છે કે શું પરમેશ્વર પોતાની યોજનાને પરિપૂર્ણ કરવા અથવા તો વૈશ્વિક સત્તાના સમીકરણો બદલી નાખવા મહામારી જેવા ઘાતકી શસ્ત્રનો ઉપયોગ કરે છે? બાઈબલમાં પરમેશ્વર પિતા પોતાની યોજના પરિપૂર્ણ કરવા મહામારીનો ઉપયોગ કરે છે તેનો સૌપ્રથમ ઉલ્લેખ નિર્ગમનના 11મા અધ્યાયમાં જોવા મળે છે. નિર્ગમન 11- 4થી 6 કલમમાં મુસા મિસરના રાજા ફારૂનને ચેતવણી આપે છે કે, યહોવા એમ કહે છે કે આજે મધરાતે હું મિસરમાંથી પસાર થઇશ અને ઇજિપ્તમાં જન્મેલો દરેક પ્રથમજનિત માર્યો જશે. દરેક પશુના પ્રથમ જનિત પણ માર્યાં જશે. પરમેશ્વર પિતા એક મહામારી દ્વારા તે સમયના શક્તિશાળી ગણાતા રાજ્ય મિસરના રાજાને સજા કરે છે. આ મહામારી બાદ પરમેશ્વરની એક મહાન યોજનાનો પ્રારંભ થાય છે. ઇબ્રાહિમને આપેલા વચન પ્રમાણે તેના સંતાનોને વચનના દેશમાં લઇ જવાની યોજનાનું અમલીકરણ આ મહામારી બાદ શરૂ થયું હતું. આજના શક્તિશાળી ઇઝરાયેલી રાષ્ટ્રનો પાયો મિસર પર લવાયેલી મહામારીથી નંખાયો હતો. આમ પરમેશ્વર સત્તાઓને હચમચાવવા અને સત્તાના સમીકરણો બદલવા મહામારીનો ઉપયોગ કરે છે. આવો એક નજર નાખીએ કે મિસરની સત્તાને હચમચાવવા પરમેશ્વરે કેવી આપત્તિઓનો ઉપયોગ કર્યો હતો.

દરેક ખ્રિસ્તી વ્યક્તિ આ ઘટનાથી વાકેફ હશે. ઇઝરાયેલીઓને મિસરની ગુલામીમાંથી મુક્ત કરાવવા પરમેશ્વરે મુસાના માધ્યમથી ઇજિપ્ત પર 10 અનર્થ મોકલી આપ્યાં હતાં. તેમાંનો છેલ્લો અનર્થ મહામારી હતો

પરમેશ્વર પૌરાણિક કાળથી આધુનિક સમય સુધી સામ્રાજ્યોને ખળભળાવવા મહામારીનો ઉપયોગ કરતા આવ્યા છે. ઇ.સ.પૂર્વે 430માં શક્તિશાળી ગણાતા એથેન્સને મહામારીએ ઘેરી લેતાં સ્પાર્ટન્સ સામેના પેલોપોનેશિયન યુદ્ધમાં પરાજય થયો હતો. આ મહામારીએ એથેન્સની કમર તોડી નાખી હતી. રાજ્યની બે તૃતિયાંશ વસતીના મહામારીમાં મોત થયાં હતાં. જે બચ્યાં હતાં તે સ્પાર્ટનનો સામનો કરવાની સ્થિતિમાં નહોતાં. આમ એથેન્સના મહાન સામ્રાજ્યનો અંત આવ્યો

ઇ.સ. 165માં એન્ટોનિયન પ્લેગ ફાટી નીકળતાં હૂણ, જર્મન અને રોમન સામ્રાજ્યો સંક્રમિત થયાં હતાં. 15 વર્ષ ચાલેલી આ મહામારીમાં સમ્રાટ માર્ક્સ ઔરેલિયસ પણ માર્યો ગયો હતો અને રોમમાં તખ્તાપલટ થયો હતો. ઇ.સ. 541માં જસ્ટિનિયન પ્લેગ ફાટી નીકળ્યો હતો જેમાં રોમન સામ્રાજ્ય હચમચી ગયું હતું. આ પ્લેગના રોગચાળા દરમિયાન લોકોમાં આધ્યાત્મિક જુવાળ ફાટી નીકળ્યો હતો અને ખ્રિસ્તી ધર્મનો વ્યાપક ફેલાવો થયો હતો.

1350માં બુબોનિક પ્લેગ ફાટી નીકળ્યો. જેમાં વિશ્વની 33 ટકા વસતીનો નાશ થયો હતો. તે સમયના શક્તિશાળી ગણાતા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પાયમાલ થઇ ગયાં હતાં. બ્રિટિશ સામંતશાહી ધરાશાયી થઇ ગઇ હતી. બુબોનિક પ્લેગે સમગ્ર યુરોપમાં આર્થિક અને ભૂરાજકિય સ્થિતિ બદલી નાખી હતી. વાઇકિંગ્સની યુદ્ધ લડવાની ક્ષમતાઓ ખતમ થઇ અને  ઉત્તર અમેરિકા તરફ જવાના પ્રયાસોને મોટો આંચકો લાગ્યો હતો.

1665- લંડનનો ગ્રેટ પ્લેગ

લંડનની 20 ટકા વસતીનો સફાયો

1817 – કોલેરાનો પ્રથમ રોગચાળો

રશિયામાં 10 લાખનાં મોત

1855 – ચીનથી ફેલાયો બુબોનિક પ્લેગ

દોઢ કરોડ લોકોનાં મોત

1889 – રશિયન ફ્લૂ

3,60,000નાં મોત

1914થી 1919નો સમયગાળો યુદ્ધ અને મહામારીથી ભરપૂર રહ્યો અને તેમાં 12 કરોડ 10 લાખ લોકો માર્યાં ગયાં, સમગ્ર વિશ્વની આર્થિક, રાજકિય અને ભૌગોલિક સ્થિતમાં ધરમૂળથી બદલાવ આવ્યો

28 જુલાઇ 1914થી શરૂ થયેલું પહેલું વિશ્વ યુદ્ધ 11 નવેમ્બર 1918 સુધી ચાલ્યું હતું. આ ઐતિહાસિક યુદ્ધમાં 6 કરોડ યુરોપિયન સહિત 7 કરોડ સૈનિકો જોડાયાં હતાં. આખા વિશ્વ યુદ્ધમાં 90 લાખ સૈનિક માર્યા ગયાં હતાં અને 1 કરોડ 30 લાખ નાગરિકો હણાયાં હતાં. આવો જોઇએ કે પ્રથમ વિશ્વયુદ્ધ શા માટે લડાયું અને તેના દ્વારા સામ્રાજ્યોમાં કેવાં બદલાવ થયાં. યુરોપમાં જર્મનીનો દબદબો ખતમ થઇ ગયો અને રશિયામાં ઝારના શાસનનો અંત આવી ગયો હતો. મહાન સોવિયેત સંઘનો જન્મ પ્રથમ વિશ્વયુદ્ધ પછી થયો હતો. આ યુદ્ધમાં વિજેતા બનેલા દેશોને પણ પરમેશ્વરે 1919માં બરાબર પાઠ ભણાવી સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે હું એકલો જ સર્વશક્તિમાન છું. સત્તાના મદમાં છકી જશો નહીં.

પ્રથમ વિશ્વયુદ્ધના કારણે વિશ્વના રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક ચિત્રમાં ધરમૂળથી બદલાવ આવી ગયો હતો. વિશ્વયુદ્ધ બાદ મહાસત્તાઓ નબળી પડતાં સંખ્યાબંધ ક્રાંતિઓએ આકાર લીધો. 1919માં પેરિસ ખાતેની શાંતિ મંત્રણામાં પ્રથમ વિશ્વયુદ્ધના વિજેતા એવા અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને ઇટાલીએ પરાજિત થયેલા જર્મની, ઓટોમન, રશિયન સામ્રાજ્ય અને ઓસ્ટ્રો-હંગેરિયન સત્તાઓને આકરી શરતો સાથે જવા દીધાં હતાં. પ્રથમ વિશ્વયુદ્ધમાં વિજય બાદ સત્તાના મદમાં આવેલા અમેરિકા, બ્રિટન સહિતના દેશોને પરમેશ્વરે તેમની હદ બતાવી દીધી હતી. 1918માં જ યુરોપમાં સ્પેનિશ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો હતો. સ્પેનના મેડ્રિડમાંથી વકરેલી આ મહામારીને સ્પેનિશ ફલુનું નામ અપાયું હતું. સમગ્ર વિશ્વમાં પ્રસરી ગયેલા સ્પેનિશ ફ્લુના કારણે અંદાજિત પાંચ કરોડ લોકો માર્યાં ગયાં હતાં. ઓક્ટોબર 1918 સુધીમાં અમેરિકામાં લાખો લોકોનાં મોત થયાં હતાં. 1919ના ઊનાળામાં સ્પનિશ ફ્લુનો અંત આવ્યો હતો. આ ફ્લુના વાઇરસથી સંક્રિત થયેલાં લોકોએ ક્યાંતો તેની સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ વિકસાવી લીધી હતી ક્યાંતો માર્યાં ગયાં હતાં. મહામારી અને વિશ્વયુદ્ધ પછી આર્થિક અને રાજકિય રીતે પાયમાલ થયેલા દેશો મનમાં જ ધૂંધવાઇ રહ્યાં હતાં.  ફક્ત 20 વર્ષ બાદ આ ધૂંધવાટ સપાટી પર આવી ગયો હતો અને વિશ્વ બીજા વિશ્વયુદ્ધમાં ધકેલાઇ ગયું હતું. 

1918-1919 સ્પેનિશ ફ્લૂ મહામારી
1939 – 1945 દ્વિતિય વિશ્વયુદ્ધ

હવે ફરી એકવાર વિશ્વમાં 1920ના દાયકાની ઘટનાઓનું પુનરાવર્તન થઇ રહ્યું છે. તે સમયે વિશ્વયુદ્ધ અને મહામારી એકસાથે વિશ્વને ઘેરી વળ્યાં હતાં. અત્યારે કોરોના વાઇરસની મહામારી આખા વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે. દુનિયાના 190 કરતાં વધુ દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 1,00,00,000ને પાર થઇ છે. અત્યાર સુધીમાં 5,00,000 કરતાં લોકો કોવિડ-19ની મહામારીમાં જીવ ગુમાવી ચૂક્યાં છે. 1914થી પ્રથમ વિશ્વયુદ્ધ શરૃ થયું અને 1918થી સ્પેનિશ ફ્લુએ વિશ્વને સકંજામાં લીધું હતું. અત્યારે વિશ્વના દેશો મહામારીને કાબૂમાં લેવા ઝઝૂમી રહ્યાં છે ત્યારે ચીન અમેરિકા, ભારત, જાપાન, તાઇવાન સાથે શિંગડા ભેરવી રહ્યો છે. લદ્દાખમાં એલએસી ખાતે ભારત અને ચીન વચ્ચેનો સરહદી તણાવ યુદ્ધની કગાર પર પહોંચી ગયો છે. દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાનો દાવો ઠોકી રહેલા ચીનની દાદાગીરી સામે ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, મલેશિયા, વિયેટનામ પરેશાન છે. અહીં અમેરિકા પણ ચીનના દાવાને ખુલ્લેઆમ પડકાર આપી રહ્યો છે. જાપાન સાથે કેટલાક ટાપુઓના મુદ્દે ચીનનો સંઘર્ષ ચાલી રહ્યો છે. ચીનના પીઠ્ઠુ એવા ઉત્તર કોરિયા અને અમેરિકાના સાથીદેશ ઉત્તર કોરિયા વચ્ચે બાપે માર્યા વેર ચાલી રહ્યાં છે. ચીનના ખીલે કૂદી રહેલા પાકિસ્તાન અને નેપાળ ભારતને આંખો બતાવી રહ્યાં છે. મિડલ ઇસ્ટમાં ઇરાન પર પરમાણુ કાર્યક્રમના મુદ્દે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો લાદ્યાં છે. ઇરાન અને સાઉદી અરબ વચ્ચેનો તણાવ બરકરાર છે. ઇરાક, સીરિયા, યમન, સુદાન, નાઇજિરિયા જેવા દેશોમાં ગૃહયુદ્ધ પરાકાષ્ઠા પર છે. સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર તણાવ ચાલી રહ્યો છે. અમેરિકા અને ચીન વૈશ્વિક દબદબો સ્થાપવા આર્થિક યુદ્ધ તો લડી જ રહ્યાં છે. અમેરિકાએ હવે વૈશ્વિક લશ્કરી સંતુલનની સમીક્ષા કરીને યુરોપમાંથી પોતાના સૈનિકો ખસેડીને ઇન્ડો-પેસિફિક રિજિયનમાં તહેનાત કરવાની શરૃઆત કરી દીધી છે. 1914માં જર્મનીએ તત્કાલિન મહાસત્તાઓને પડકાર આપ્યો હતો. 2020માં ચીન પશ્ચિમની મહાસત્તાઓને પડકાર આપી રહ્યો છે. 1914 અને 2020ની સ્થિતિ એકસમાન સંકેતો આપી રહી છે. સવાલ એ છે કે શું 21મી સદીમાં મહામારી પછી વૈશ્વિક યુદ્ધ શરૂ થશે....કોરોના મહામારી કેવો સમય લાવશે તે તો ભવિષ્યમાં જ જાણવા મળશે પરંતુ એક વાત નક્કી છે કે મહામારીઓએ વૈશ્વિક સત્તાના કેન્દ્ર બદલી નાખ્યાં છે. મહામારી, રોગચાળા, કુદરતી હોનારતો વગેરે વૈશ્વિક કાયાપલટ માટેના ઇશ્વરના શસ્ત્રો છે. કોરોના મહામારી બાદ કોણ વિશ્વમાં મહાસત્તા તરીકે ટકી રહે છે કે કોણ નવી મહાસત્તા તરીકે ઊભરી આવે છે તે જોવું રહ્યું. એટલું તો નિશ્ચિત છે કે કોરોનાની મહામારી નવી વૈશ્વિક વ્યવસ્થા જરૂર સ્થાપિત કરી દેશે.