ડચ પ્રોટેસ્ટન્ટ ચર્ચે 75 વર્ષ બાદ યહૂદી નરસંહારમાં પોતાની ભુમિકાની કબૂલાત કરી યહૂદી સમુદાયની જાહેર માફી માગી

nazi camp.jpg
સદીઓથી યહૂદીઓ સાથે આભડછેટ રાખવામાં આવી અને તેના કારણે યહૂદીઓ સમાજમાં અલગ પડી ગયાં

હેગ

ડચ પ્રોટેસ્ટન્ટ ચર્ચે કબૂલાત કરી છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછીના સમયમાં ચર્ચ યહૂદીઓને મદદ કરવામાં તથા યહૂદી વિરોધી લાગણીઓને ડામવામાં નિષ્ફળ રહ્યું હતું. નાઝીઓ દ્વારા યહૂદીઓના કરાયેલા નરસંહારની વરસી પર ડચ ચર્ચ દ્વારા આ ઐતિહાસિક નિવેદન જારી કરવામાં આવ્યું છે. 9 નવેમ્બર 1938ના રોજ જર્મની અને ઓસ્ટ્રિયામાં યહૂદીઓ પર હુમલા શરૂ કરાયા હતા. 91 યહૂદીના મોત થયા હતા અને સેંકડો સિનેગોગ બાળી નંખાયા હતા. 7500 યહૂદી વેપાર સંસ્થાનો લૂટી લેવાયા હતા. 30000 યહૂદી પુરુષોને પકડીને કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલી અપાયાં હતાં.

નેધરલેન્ડમાં પ્રોટેસ્ટન્ટ ચર્ચની જનરલ સિનડ વતી નિવેદન જારી કરતાં રેન દ રૂવરે જણાવ્યું હતું કે, એડોલ્ફ હિટલર સત્તામાં આવ્યા તે પહેલાં ચર્ચની ભુમિકા શરૂ થઇ હતી. સદીઓથી યહૂદીઓ સાથે આભડછેટ રાખવામાં આવી અને તેના કારણે યહૂદીઓ સમાજમાં અલગ પડી ગયાં કે જેથી તેમની સહેલાઇથી હત્યા થઇ શકી. 1 લાખ કરતાં વધુ ડચ યહૂદી બીજા વિશ્વયુદ્ધમાં અસ્તિત્વ ટકાવી શક્યાં નહીં. તેમને દેશનિકાલ કરી દેવામાં આવ્યાં. નાઝી કેમ્પોમાં તેમની હત્યા કરી દેવાઇ.

નેધરલેન્ડના યહૂદી સમુદાયને સંબોધીને જારી કરેલા આ નિવેદનમાં ચર્ચે જણાવ્યું હતું કે, ચર્ચ તેનો દોષ સ્વીકારે છે. અમને લાગે છે કે માફી માગવામાં મોડું થયું નથી. ચર્ચ યહૂદીઓના નરસંહારમાં તેની ભુમિકા કબૂલે છે. પ્રોટેસ્ટ્ન્ટ ચર્ચ પણ આ પાપમાં ભાગીદાર બન્યું છે. – એજન્સી