મૂળ સ્પેનિશ છતાં ગુજરાતીના અવિસ્મરણીય સાહિત્યકાર, ગાણિતજ્ઞ ફાધર વાલેસનું સ્પેન ખાતે નિધન

ફાધર વાલેસે અનુવાદ કરેલા ગણિતના પુસ્તકો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ સાબિત થયાં

અમદાવાદ

ગુજરાતી પ્રજાના અદકેરા સેવક અને સાહિત્યકાર ફાધર વાલેસનું તેમના વતન સ્પેન ખાતે  95 વર્ષની વયે નિધન થયું હતું. ગુજરાતે એક પનોતો પુત્ર અને અદ્દભૂત સાહિત્યકાર ગુમાવી દીધાં છે.

4 નવેમ્બર 1925ના રોજ સ્પેનના લોગરોનો ખાતે જન્મ લેનાર ફાધર વાલેસનું મૂળ નામ કાર્લોસ ગોન્સાલેઝ વાલેસ હતું. મિત્રોમાં એસજે અને સાહિત્યમાં ફાધર વાલેસ તરીકે ઓળખાતા કાર્લોસે  માત્ર દસ વર્ષની વયે એન્જિનિયર પિતાને એક બીમારીમાં ગુમાવ્યા. એ પછી માત્ર છ મહિનામાં સ્પેનમાં આંતરવિગ્રહ થતાં કાર્લોસ પોતાની માતા અને ભાઇની સાથે લોગરાનો છોડીને નીકળી માતાની કાકીને ત્યાં સ્થાયી થયા હતા.

કાર્લોસે પોતાના ભાઇની સાથે એક જેસ્યુઇટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. બાળપણથી તેમને ધર્મ અને આધ્યાત્મમાં ઊંડો રસ હતો એટલે પંદર વર્ષની વયે જેસ્યુઇટ ધર્મગુરુ બની ગયા. 1949માં તેમને એક મિશનરી તરીકે ભારતમાં મોકલવામાં આવ્યા. ભારતમાં આવ્યા પછી તેમણે પોતાનો અધૂરો રહેલો અભ્યાસ ફરી શરૂ કર્યો અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિત વિષય રાખીને ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે એમ. એ. થયા. એ પછી તેમણે પોતાની માતૃભાષા સ્પેનિશ ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી ભાષા શીખવાનો આરંભ કર્યો. 

ગુજરાતી શીખવા તરફ આકર્ષણ થવાનું કારણ એ હતું કે તેમના મિશનના વડાએ તેમને અમદાવાદમાં  નવી શરૂ કરાયેલી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના અધ્યાપક તરીકે કામ કરવાની જવાબદારી સોંપી હતી. ગુજરાતમાં અધ્યાપન કરવું હોય તો ગુજરાતી ભાષા આવડવી જોઇએ એમ તેમને લાગ્યું હતું. દરમિયાન, એમનો ધાર્મિક અભ્યાસ પણ ચાલુ હતો. મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પૂણેમાં ચાર વર્ષ ધાર્મિક અધ્યયન કરતાં કરતાં તેમણે ગુજરાતી ભાષામાં લખવાનો આરંભ કર્યો. સાવ સાદી સરળ ભાષામાં તેમણે વિચારો વ્યક્ત કરવામાં હથોટી મેળવી. 1960માં અમદાવાદ આવ્યા અને તરત બચુભાઇ રાવતના કુમાર સાપ્તાહિકે તેમને પોતાને ત્યાં લખવાનું આમંત્રણ આપ્યું. એ પહેલાં તેમનું એક પુસ્તક સદાચાર નામે પ્રગટ થઇ ચૂક્યું હતું. 

પાંચેક વર્ષ કુમારમાં લખ્યા બાદ તેમણે નવી પેઢી માટે અગ્રણઈ દૈનિક ગુજરાત સમાચારમાં નવી સમધિ નામે કૉલમ લખવાની શરૂ કરી. આ કૉલમ જબરદસ્ત લોકપ્રિય નીવડી હતી અને યુવા પેઢીને આકર્ષવામાં સફળ નીવડી હતી. આ કટારના લેખો પુસ્તક રૂપે પ્રગટ થતાં ચપોચપ વેચાઇ ગયાં હતાં. ગુજરાત સમાચાર સાથે તેમણે અત્યંત આત્મીય સંબંધો કેળવ્યા હતા. સાથોસાથ તેમણે ગુજરાત યુનિવર્સિટી માટે ગણિતનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો વિદેશી ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યા. આ પુસ્તકો પણ ગણિતના વિદ્યાર્થીઓ માટે વરદાન સમા બની રહ્યા હતા.  

ગુજરાતના લોકોની રહેણીકરણી અને સંસ્કૃતિને સમજવા થોડા સમય બાદ તેમણે કૉલેજે આપેલું ક્વાર્ટર ખાલી કરી નાખ્યું હતું અને લોકોની વચ્ચે રહેતા થયા હતા. લગભગ દસ વર્ષ સુધી તેમણે થોડો સમય લોકોની વચ્ચે અને થોડો સમય પોતાના પરિવાર સાથે એમ સમય ગાળ્યો હતો. ઊગતી પેઢી માટે તેમને સતત ચિંતા અને લાગણી રહેતી. તેમનાં લખાણોમાં એક પ્રકારની વિશિષ્ટ આત્મીયતા અને સરળતા રહેવાથી એ ખપ પૂરતું ગુજરાતી જાણતા કોન્વેન્ટિયા વિદ્યાર્થીઓ પણ ફાધર વાલેસને વાંચતા થઇ ગયા હતા.

ગણિત શિક્ષક તરીકેની કારકિર્દી પૂરી કર્યા બાદ ફાધર વાલેસ મેડ્રિડ શહેરમાં વસવા ગયા. જો કે ગુજરાતી ભાષામાં લખવાનું તેમણે સતત ચાલુ રાખ્યું હતું. ભારતમાં અને લેટિન અમેરિકામાં પોતાને થયેલા અનુભવોના સંભારણાં તેમણે અંગ્રેજીમાં લખ્યાં. ત્યારબાદ અંગ્રેજી અને સ્પેનિશ ભાષાનાં પુસ્તકોનો સરળ અનુવાદ કરતા થયા. ગુજરાતી ભાષામાં તેમનાં સત્તરેક પુસ્તકો પ્રગટ થયાં જેમાંનાં કેટલાંક તો બેસ્ટ સેલર બની રહ્યા. તેમનાં કેટલાંક પુસ્તકોનાં મથાળાં આ રહ્યાં- ગાંધી- હિંસાનો વિકલ્પ, ભારતમાં નવ રાત્રિ, એક રાષ્ટ્ર માટે એક શિક્ષક,  હિમાલય જેવડી ભૂલ, ઉત્કૃષ્ટતાના પંથે, નેતાઓના નેતા, લગ્નસાગર, કુટુંબ મંગળ, ધર્મમંગળ, ગાંધીજી અને નવી પેઢી, સંસ્કાર તીર્થ, કૉલેજ જીવન, જીવન દર્શન વગેરે.

RNI No : GUJGUJ/2013/52831, Published And Owned By Mr. Arnold Alfred Christie.
Published From H/1, Parul Tenaments (A Type), Near Canal, Jashodanagar Road, Post G.I.D.C. Vatva, Ahmedabad- 382445. Editor : Mr. ARNOLD CHRISTIE. 
Mobile : +91 8758469100. Email : christianherald2013@gmail.com

વિશ્વભરના ગુજરાતી ખ્રિસ્તી સમાજમાં વ્યાપક રિડર્સ ધરાવતી  ન્યૂઝ વેબસાઇટ પર જાહેરાત આપી બહોળા વર્ગ સુધી પહોંચવાની ઉત્તમ તક

સંપર્ક ઃ મોબાઇલ ઃ +91 8758469100 

Email us at christianherald2013@gmail.com

ક્રિશ્ચિયન હેરાલ્ડ

ગુજરાતી ખ્રિસ્તી સમાજની સૌપ્રથમ ન્યૂઝ વેબસાઇટ

આપની આસપાસ બનતા ખ્રિસ્તી સમાજને સ્પર્શતી ઘટનાઓ, ફોટોગ્રાફ, વીડિયો અમને મોકલી આપો.

E-MAIL : christianherald2013@gmail.com

We'd Love To Know What You Think
Rate UsPretty badNot so goodGoodVery goodAwesomeRate Us