ઇઝરાયેલી પુરાતત્વવિદ્દોએ 3000 વર્ષ જૂનો દાઉદ રાજાના જમાનાનો અરામી ગેશુર રાજ્યનો કિલ્લો શોધી કાઢ્યો

king-david-golan3_hdv.jpg
દાઉદ રાજાએ ગેશુરની રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા અને તેમના સંતાનનું નામ આબ્શાલોમ હતું

યરૂશાલેમ

ઇઝરાયેલના પુરાતત્વવિદ્દોએ દાઉદ રાજાના જમાનાનો એક કિલ્લો શોધી કાઢ્યો છે. આ સંશોધનના પગલે દાઉદ રાજાના તે સમયના સહયોગી દેશો અંગે વધુ સંશોધનના દ્વાર ખુલી ગયાં છે. ઇઝરાયેલ એન્ટિક્વિટી ઓથોરિટીએ ગોલાનમાં કિલ્લા જેવું માળખું શોધી કાઢ્યું છે. પુરાતત્વવિદ્દોનું માનવું છે કે આ કિલ્લો પૌરાણિક રાજ્ય ગેશુરનો છે. ઇ.સ.પૂર્વ 11 અને 10મી સદી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગોલાનમાં ગેશુરનું રાજ્ય આવેલું હતું. બાઇબલ અનુસાર ગેશુરનું રાજ્ય દાઉદ રાજાનું મિત્ર રાજ્ય હતું. દાઉદ રાજાએ ગેશુરના રાજાની દીકરી માકાહ સાથએ લગ્ન કર્યાં હતાં. તેમનો દીકરો આબ્શાલોમ તેના ભાઇની હત્યા બાદ ગેશુર નાસી ગયો હતો. આ કિલ્લો એક નાનકડા પર્વત પર વ્યૂહાત્મક સ્થળે બંધાયેલો હતો. અહીંથી સમગ્ર પ્રદેશ પર નજર રાખી શકાતી હતી. તેની 1.5 મીટર પહોળી  દિવાલો વિશાળ પથ્થરોથી બનેલી છે. કિલ્લામાંથી તે જમાનાના ઝવેરાત સહિતની ઘણી વસ્તુઓ મળી આવી છે. ગેશુર સ્વતંત્ર અરામી રાજય હતું. આ રાજ્યના લોકો ચંદ્રની પૂજા કરતા હતા. – એજન્સી