ઝારખંડમાં લઘુમતી વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ ચાંઉ કરી જવાનું મસમોટું કૌભાંડ, સીબીઆઇને તપાસ સોંપાઇ

વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને ફિંગરપ્રિન્ટ લઇને તેમના નામે આવેલા શિષ્યવૃત્તિના નાણા બારોબાર સગેવગે કરી દેવાયાં
નવી દિલ્હી
ઝારખંડમાં લઘુમતી સમુદાયોના ગરીબ વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા અપાતી શિષ્યવૃત્તિ ચાંઉ કરી જવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. વચેટિયાઓ, બેન્કના અધિકારીઓ, સરકારી અધિકારીઓ અને શાળાના કર્મચારીઓની સાંઠગાંઠમાં લઘુમતી સમુદાયોના ગરીબ વિદ્યાર્થીઓની કરોડો રૂપિયાની શિષ્યવૃત્તિ ચાંઉ કરી જવામાં આવી છે. હવે સરકારે આ કૌભાંડની તપાસ સીબીઆઇને સોંપી છે.
ગયા વર્ષે કેન્દ્ર સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા લઘુમતી સમુદાયોના ગરીબ વિદ્યાર્થીઓ માટે રૂપિયા 1400 કરોડની શિષ્યવૃત્તિ જારી કરાઇ હતી. મંત્રાલયે ઝારખંડમાં બહાર આવેલી ગેરરિતીની ગંભીર નોંધ લઇ તપાસનો નિર્ણય કર્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલોમાં ઝારખંડના રાંચી, ધનબાદ, લાતેહર, રામગઢ, લોહરદાગા અને બિહારના ગયા, દરભંગા અને સહરસામાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા લઘુમતી સમુદાયોના ગરીબ વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ ઓળવી જવાના બનાવો સામે લાવવામાં આવ્યાં છે. પંજાબ અને આસામની કેટલીક કેન્દ્રીય વિદ્યાલયોમાં પણ આ પ્રકારની ગેરરિતીઓ સામે આવી છે.
નેશનલ સ્કોલરશિપ પોર્ટલના આઇડી અને પાસવર્ડ તફડાવ્યાં
ઇન્ડિયન એક્સપ્રેસના ઇન્વેસ્ટિગેશન અનુસાર કૌભાંડીઓએ નેશનલ સ્કોલરશિપ પોર્ટલના આઇડી અને પાસવર્ડ તફડાવ્યાં હતાં જેથી ખોટા લાભાર્થીઓ પોર્ટલ પર ચડાવી ગરીબ વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ તેમના નામે ચડાવી ખિસ્સામાં સેરવી શકાય. સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના બણગાં ફૂંકી રહી છે પરંતુ અહીં તો કૌભાંડીઓએ તેમાં પણ છીંડા શોધી કાઢ્યાં છે.