મહારાષ્ટ્રમાં લોકડાઉન અમલી બન્યાના 7 મહિના બાદ ચર્ચ ખુલ્લાં મૂકાયાં, સામુહિક ભજનસેવાઓ હાલ શરૂ નહીં કરાય

afghan church mumbai.jpg
સામુદાયિક પ્રાર્થના માટે ધસારો નહીં કરવા અને કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા ચર્ચના આગેવાનોની અપીલ

મુંબઇ, તા.16 નવેમ્બર 2020

મહારાષ્ટ્રમાં 7 મહિના બાદ ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. સોમવારથી મહારાષ્ટ્રમાં આકરી એસઓપી સાથે ધાર્મિક સ્થળો ખુલ્લાં મૂકાયાં છે. આ માટે મહારાષ્ટ્રના ખ્રિસ્તી આગેવાનોએ ઠાકરે સરકારને આવકાર્યો છે. ચર્ચના આગેવાનોએ જણાવ્યું હતું કે, અમે સરકારના નિર્ણયની રાહ જોઇ રહ્યાં હતાં. વસઇના આર્ચબિશપ ફેલિક્સ એન્ટની મચાડોએ જણાવ્યું હતું કે, હું આજના દિવસની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો. મુંબઇના આર્ચબિશપ કાર્ડિનલ ઓસવાલ્ડ ગ્રેસિયાસે જણાવ્યું હતું કે, અમે સરકારના નિર્ણયને આવકારીએ છીએ પરંતુ સાથે સાથે સમુદાયિક પ્રાર્થના માટે ચર્ચમાં ધસારો નહીં કરવા અમે શ્રદ્ધાળુઓને સાવચેત કરીએ છીએ. મુંબઇમાં કેથલિક ચર્ચો વ્યક્તિગત પ્રાર્થના માટે સવાર અને સાંજના 3-3 કલાક ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે.

ચર્ચના આગેવાનોએ જણાવ્યું હતું કે, સરકારના આદેશ પ્રમાણે કોરોનાના લક્ષણ વિનાના લોકોને જ ચર્ચમાં પ્રવેશ અપાશે. તે ઉપરાંત ચર્ચમાં તબક્કાવાર રીતે શ્રદ્ધાળુઓને જવા દેવાશે. ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. ચર્ચમાં પવિત્રશાસ્ત્રને સ્પર્શ કરી શકાશે નહીં તે ઉપરાંત ક્વાયરને પણ પરવાનગી અપાશે નહીં.

ખ્રિસ્તી સમુદાયે જણાવ્યું હતું કે, ચર્ચમાં પ્રાર્થના કરવાની પરવાનગીથી અમે ઘણા ખુશ છીએ. અમે વ્યક્તિગત કે જૂથમાં પ્રાર્થના કરી શકીશું. જો કે અમે લોકોના જીવનો જોખમમાં મૂકવા માગતા નથી તેથી ચર્ચમાં સામુહિક ભજનસેવાઓ હાલ પુરતી શરૂ કરાશે નહીં. - એજન્સી