મોઝામ્બિકમાં ઇસ્લામિક આતંકવાદીઓએ 50 લોકોનો શિરોચ્છેદ કર્યો

isismilitants_hdv.jpg
આતંકવાદીઓએ સંખ્યાબંધ ઘરોને આગને હવાલે કર્યાં, મહિલાઓ અને બાળકોનું અપહરણ કરી ગયાં 

લંડન

આફ્રિકાના દરિયા કિનારાના દેશ મોઝામ્બિકમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ કેટલાંક ગામો પર હુમલો કરી 50 લોકોનો શિરોચ્છેદ કરી નાખ્યો હતો. મોઝામ્બિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ પીડિતોને ફૂટબોલના એક મેદાનમાં એકઠાં કર્યાં ત્યારબાદ તેમના માથા ધડથી જુદાં કરી દીધાં હતાં. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ સંખ્યાબંધ મહિલાઓ અને બાળકોના અપહરણ કર્યાં હતાં અને મકાનો બાળી નાખ્યાં હતાં.

 ટાઇમ્સ ઓફ લંડનના અહેવાલો અનુસાર આતંકવાદીઓએ પહેલાં ગામો પર હુમલો કરીને મકાનોને આગ ચાંપી દીધી હતી. હુમલાથી બચવા ગ્રામીણો ઘરો છોડીને જંગલોમાં ભાગ્યાં હતાં. આતંકવાદીઓએ અલ્લાહુ અકબરની બૂમો પાડતાં તેમનો પીછો કર્યો હતો અને ગોળીબાર કર્યાં હતાં.

મોઝામ્બિકમાં વર્ષ 2017થી કાબો ડેસગાડો પ્રાંતમાં સશસ્ત્ર બળવાખોરોએ ઇસ્લામિક સ્ટેટ સાથે હાથ મિલાવ્યા બાદ હિંસાની શરૂઆત થઇ હતી. અત્યાર સુધીની હિંસામાં 2000થી વધુ લોકો માર્યા ગયા છે અને 4 લાખથી વધુ લોકો બેઘર બન્યાં છે. – એજન્સી