યુએઇ, બહેરિન, સુદાનના અબ્રાહમ કરાર પછી હવે પેલેસ્ટાઇન પણ ઇઝરાયેલ સાથે મંત્રણા માટે તૈયાર

Palestine-89.jpg
મે મહિનામાં પેલેસ્ટિનિયન ઓથોરિટીએ ઇઝરાયેલ સાથે ભૂતકાળમાં કરાયેલા તમામ કરારનો અંત લાવી દીધો હતો

યરૂશાલેમ, તા.18 નવેમ્બર 2020

યુએઇ, બહેરિન સહિતના આરબ દેશો દ્વારા ઇઝરાયેલને માન્યતા અપાતા હવે પેલેસ્ટિનિયન સત્તાવાળાઓના તેવર પણ ઢીલાં પડ્યાં છે. હવે પેલેસ્ટાઇનના સત્તાવાળા પણ ઇઝરાયેલ સાથે મંત્રણા કરવા સહમત થયાં છે. વેસ્ટ બેન્કમાં ઇઝરાયેલ દ્વારા અમલમાં મૂકાયેલી વિસ્તરણ યોજનાના વિરોધમાં પેલેસ્ટાઇને મે 2020માં ઇઝરાયેલ સાથેની મંત્રણાઓ સ્થગિત કરી દીધી હતી.

પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ માહમૂદ અબ્બાસના નિકટના મનાતા નાગરિક બાબતોના મંત્રી હુસેન અલ શેખે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ઇઝરાયેલ સાથે મંત્રણા શરૂ કરાશે પરંતુ તેની સાથેના સંબંધો ઇઝરાયેલ તેના વચનોનું કેવું પાલન કરે છે તેના પર બધો આધાર છે.

માહમૂદ અબ્બાસે મે મહિનામાં જાહેરાત કરી હતી કે પેલેસ્ટાઇન ઇઝરાયેલ સાથે ભૂતકાળમાં કરાયેલા તમામ કરારોનું હવે પછી પાલન કરવા બંધાયેલો નથી. ઇઝરાયેલ સાથેના સુરક્ષા મામલામાં સહકાર સહિતના તમામ કરાર રદ કરી નાખવામાં આવે છે.

2020ના પ્રારંભે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમલમાં મૂકાયેલી સમજૂતિને પગલે ઇઝરાયેલ વેસ્ટ બેન્કના ત્રીજા ભાગના હિસ્સાની સાફસફાઇ કરી રહ્યો છે. પેલેસ્ટિનિયનોનો આરોપ છે કે આ યોજના ટુ નેશનના સમાધાનને અશક્ય બનાવી દેશે. 1990ના દાયકામાં થયેલા કરાર અંતર્ગત ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન એમ બે દેશોને માન્યતા આપવાની સમજૂતિ થઇ હતી. – એજન્સી

હમાસ સહિતના સંગઠનો દ્વારા પેલેસ્ટાઇનના નિર્ણયનો વિરોધ

પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસ સહિતના અન્ય સંગઠનોએ માહમૂદ અબ્બાસના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. હમાસે જણાવ્યું હતું કે, પેલેસ્ટાઇનની સરકાર અતિક્રમણ કરી રહેલા દેશ સાથે ફરી સહકાર સાધવા જઇ રહી છે. અબ્બાસના આ નિર્ણયના કારણે પેલેસ્ટાઇનના અન્ય જૂથો સાથે સમાધાનના પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રયાસોને ફટકો પડી રહ્યો છે.