વિશ્વમાં ધર્મ પરના સરકારી નિયંત્રણો ઓલ ટાઇમ હાઇ સપાટી પર, ભારતમાં પણ વધારો

govt restrictions on religion.jpeg
કાયદા, નીતિઓ અને અધિકારીઓની કાર્યવાહી દ્વારા ધર્મ પર લદાયેલા સરકારી નિયંત્રણો રેકોર્ડ સપાટી પર પહોંચ્યા 

નવી દિલ્હી

વિશ્વમાં ધર્મ પરના નિયંત્રણો વિક્રમજનક સપાટી પર પહોંચ્યા છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના 11મા વાર્ષિક અભ્યાસ અનુસાર એશિયા અને પેસિફિક દેશોમાં ધર્મ પરના સરકારી નિયંત્રણોમાં મોટો વધારો નોંધાયો છે. પ્યૂના રિપોર્ટમાં વર્ષ 2018ના ધર્મ પરના નિયંત્રણોના આંકડાના ધારે 198 દેશોને રેન્કિંગ અપાયું છે. પ્યૂના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2018માં ધાર્મિક માન્યતાઓ અને ધર્મપાલન પર અસર કરતા કાયદા, નીતિઓ અને અધિકારીઓની કાર્યવાહી દ્વારા ધર્મ પર લદાયેલા સરકારી નિયંત્રણો ઓલ ટાઇમ હાઇ સ્તરે પહોચી ગયાં છે.

પ્યૂના અભ્યાસમાં ગવર્મેન્ટ રિસ્ટ્રિક્શન ઇન્ડેક્ષ (જીઆરઆઇ) ધાર્મિક બાબતો પર નિયંત્રણ લાદતા કાયદા, નીતિઓ અને પગલાંની સમીક્ષા કરે છે. જીઆરઆઇ કોઇ એક ધર્મને વધુ મહત્વ આપવું, ધર્મપરિવર્તન પર પ્રતિબંધ મૂકવો જેવા 20 પ્રક્રાના નિયંત્રણોની સમીક્ષા કરે છે. પ્યૂના આ અભ્યાસ રિપોર્ટમાં અમેરિકી વિદેશ વિભાગના ધામિક સ્વતંત્રતા પરના રિપોર્ટ, યુરોપ અને સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટનો આધાર લેવામાં આવ્યો છે.

2007માં પ્યૂ દ્વારા આ પ્રકારનો પહેલો રિપોર્ટ તૈયાર કરાયો હતો જેમાં જીઆરઆઇ 1.8 હતો. પહેલાંના થોડા વર્ષમાં જીઆરઆઇમાં થોડી વધઘટ જોવા મળી હતી પરંતુ 2011થી જીઆરઆઇમાં સતત વધારો થઇ રહ્યો છે. તેનો અર્થ એ થયો કે 2011 પછી વિશ્વમાં ધર્મ પરના સરકારી નિયંત્રણો સતત વધી રહ્યાં છે. 2018માં જીઆરઆઇ 2.9ના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. – એજન્સી

વિશ્વના 56 દેશોમાં ધર્મ પર અત્યંત આકરા નિયંત્રણો

પ્યૂના અભ્યાસના જણાવ્યા અનુસાર એશિયા-પેસિફિક રિજિયનના 25 દેશોમાં ધર્મ પર અત્યંત આકરા નિયંત્રણો છે. તેનો અર્થ એ થયો કે આ રિજિયનના 50 ટકા દેશોમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર આકરા નિયંત્રણો લદાયેલાં છે. મીડલ ઇસ્ટના દેશો અને ઉત્તર આફ્રિકાના દેશોમાં 90 ટકા એટલે કે 18 દેશો આકરા પ્રતિબંધો ધરાવે છે. 2018માં મીડલ ઇસ્ટ અને આફ્રિકાના 18 દેશોમાં ધર્મ પરના સરકારી નિયંત્રણો 6.2 જીઆરઆઇ હતા. એશિયા અને પેસિફિકના દેશોનો જીઆરઆઇ 4.4 છે. એશિયા અને પ્રશાંત મહાસાગર વિસ્તારના 50માંથી 31 દેશમાં સરકારો દ્વારા ધર્મ પર નિયંત્રણ માટે વ્યાપક બળનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.

વિશ્વમાં ચીનમાં ધર્મ પર સૌથી વધુ સરકારી નિયંત્રણો

પ્યૂના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં ચીન એક એવો દેશ છે જ્યાં ધર્મ પર સૌથી વધુ સરકારી નિયંત્રણો છે. 198 દેશોમાં ચીનનો જીઆરઆઇ સૌથી ઊંચો છે. વર્ષ 2018માં ચીનનો જીઆરઆઇ 10માંથી 9.3 આવ્યો . ચીનની સરકાર સંખ્યાબંધ રીતે ધર્મ પર નિયંત્રણ લાદે છે. ચીની સરકાર દ્વારા આખા ધર્મ પર પ્રતિબંધ લાદી દેવાય છે, ધર્મના સ્થળો પર દરોડા પાડી ચોક્કસ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ અટકાવી દેવાય છે. ધર્મના પાલન માટે ધરપકડ કરી જેલોમાં અત્યાચાર ગુજારવામાં આવે છે.

ભારતમાં હિંદુ રાષ્ટ્રવાદના નામે ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચાર

પ્યૂના રિપોર્ટ અનુસાર ભારતનો જીઆરઆઇ 10માંથી 5.9 છે તેનો અર્થ એ થયો કે બિનાસાંપ્રદાયિક બંધારણ ધરાવતા ભારત દેશમાં ધર્મ પર 60 ટકા નિયંત્રણો આવી ગયાં છે. હિન્દુ રાષ્ટ્રવાદના નામે ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. ખ્રિસ્તીઓને જેલમાં ધકેલી દેવા માટે કેટલાક રાજ્યોમાં ધર્ણપરિવર્તન વિરોધી કાયદા ઘડાયાં છે અને તેનો ઉપયોગ ખ્રિસ્તીઓને ખઓટી રીતે ફસાવવા માટે કરાય છે. આ કાયદાઓના કારણે ભારતના ધાર્મિક લઘુમતી સમુદાયો પર ઘણી અસર પડી છે.