યરૂશાલેમમાં ટેમ્પલ માઉન્ટને મુસ્લિમ નામે જ ઓળખવા સંયુક્ત રાષ્ટ્રમાં ઠરાવ પસાર, ઇઝરાયેલે કહ્યું – યુએન દ્વારા યહૂદી મૂળની સદંતર અવગણના

temple mount.jpg
ઇતિહાસને ફરી લખવાનો પ્રયાસ હજારો વર્ષથી યહૂદી અને યરૂશાલેમ વચ્ચેના સંબંધની વાસ્તવિકતા બદલી શક્શે નહીં.

યરૂશાલેમ

સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બ્લીએ તાજેતરમાં યરૂશાલેમમાં આવેલા ટેમ્પલ માઉન્ટને તેના મુસ્લિમ નામ અલ હરમ અલ શરિફના નામે જ ઓળખવાનો ઠરાવ પસાર કર્યો છે. યુએન ખાતેના ઇઝરાયેલી રાજદૂતે આરોપ મૂક્યો હતો કે સંયુક્ત રાષ્ટ્ર ઇરાદાપુર્વક યરૂશાલેમના યહૂદી મૂળની અવગણના કરી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે 193 સભ્યદેશોની જનરલ કાઉન્સિલ ઇઝરાયેલી કબજા હેઠળના પેલેસ્ટાઇનમાં તાજેતરમાં ચાલી રહેલા તણાવ અને હિંસા અંગે ચિંતિત છે. પૂર્વ યરૂશાલેમ અને તેમાં આવેલા પવિત્ર સ્થળો પણ તણાવ હેઠળ છે. ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે, યરૂશાલેમ વિશ્વના 3 સૌથી મોટા ધર્મનું પવિત્ર સ્થાન છે.

સંયુક્ત રાષ્ટ્ર ખાતેના ઇઝરાયેલી રાજદૂત ગિલાડ એર્દાને જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રનો ઠરાવ સંપુર્ણપણે યહૂદી સમુદાય અને ટેમ્પલ માઉન્ટ વચ્ચેના સંબંધની અવગણના કરે છે. આ ઘણી ખેદજનક બાબત છે. ઇતિહાસને ફરી લખવાનો પ્રયાસ હજારો વર્ષથી યહૂદી અને યરૂશાલેમ વચ્ચેના સંબંધની વાસ્તવિકતા બદલી શક્શે નહીં. યહૂદીઓ સાથેનું યરૂશાલેમનું જોડાણ અત્યંત મજબૂત છે. ઘણા દેશોએ તેમના દૂતાવાસ યરૂશાલેમમાં ખસેડ્યાં છે. યરૂશાલેમ અમારી અવિભાજિત રાજધાની છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, ગ્વાટેમાલા, હંગેરી, માર્શલ આઇલેન્ડ, માઇક્રોનેશિયા, નાઉરુ અને અમેરિકાએ આ ઠરાવનો વિરોધ કર્યો હતો. મતદાન દરમિયાન 16 દેશ ગેરહાજર રહ્યાં હતાં.

ટેમ્પલ માઉન્ટ યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમો માટે અત્યંત પવિત્ર સ્થળ

ટેમ્પલ માઉન્ટ યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમ માટે અત્યંત પવિત્ર સ્થળ મનાય છે. યહૂદીઓનું મંદિર બે વાર નાશ થયો તે પહેલાં અહીં જ સ્થાપિત હતું. આજે આ સ્થળે બે મુસ્લિમ સ્થળ ડોમ ઓફ રોક અને અલ અક્સા મસ્જિદ આવેલાં છે.